ત્રીજી પુતળી રતિબાળાની વાર્તા | બત્રીસ પુતળી ની વાર્તા | સિંહાસન બત્રીસી ભાગ-3 । વિક્રમરાજા ની ગુજરાતી વાર્તા | Sinhasan battisi part-3 | Sihasan batrisi part-3

  

 ૩. રતિબાળાની વાર્તા 

રતિબાળા બોલી કહે રાજા ભોજ ! વીર વિક્રમ રાજમહેલના સુખોની પરવા કર્યા વગર પોતાની પ્રજાના દુઃખ સુખનો ખ્યાલ રાખતો હતો. રાતે વેશ પલટો કરી નગર ચર્યાએ નિકળતો અને પ્રજાના દુઃખની વાતો સાંભળતો. 

એક દિવસ વિક્રમ ભિખારીનો વેશ ધારણ કરી પોતાની પ્રજાના હાલ જાણવા નિકળ્યો. ફરતે ફરતો એક ગામમાં આવ્યો. ત્યાં એક સ્ત્રીને રડતી જોઈ એના દુઃખની વાત પુછી તો સ્ત્રી બોલી-'તું પોતે ભિખારી છે ત્યાં તું અમને શું મદદ કરીશ.' 

'કદાચ કામમાં આવું' વિક્રમ બોલ્યો. 

‘સારૂ તો સાંભળ, 

            આજ શાહુકારની મુદતનો છેલ્લો દિવસ છે. એનુ દેણ અમારાથી ભરાયુ નથી. આજે એ મારા પતિને કોરડાથી મારશે. દેણુ ન ચુકવી શકાય તો એજ દંડ મળે છે. મારો પતિ ખેતરે ગયો છે. શાહુકારના માણસો હમણાં એને પકડી લાવશે અને પંદર કોરડા મારશે., 

આ સાંભળી વિક્રમ બોલ્યો તારા પતિના બદલે બીજો કોઈ સજા ન ભોગવી શકે ?” 

'ભોગવી શકે પણ અમે ગરીબ છીએ. કોણ અમને મદદ કરે ?' 

‘તારા પતિના બદલે હું સજા ભોગવીશ.’ સ્ત્રીને આશ્ચર્ય થયું. ત્યાંજ શાહુકાર પોતાના માણસો સાથે આવ્યો. વિક્રમે પોતાને દોરલ મારવા કહ્યું તો શાહુકાર એને સમજાવવા લાગ્યો-‘નાહક શા માટે મરે છે ? દોરડા તારી ચામડી ઉતરડી લેશે.’ 

વિક્રમ ન માન્યો એટલે શાહુકારના માણસો એને ઢસડીને લઈ ગયા. વિક્રમને પંચાયત સામે હાજર કરાયો. વાત સાંભળીને પંચને પણ આશ્ચર્ય થયું. એક પંચે વિક્રમને સમજાવ્યો-શા માટે નાહક ચામડી ઉતરાવે છે ? ખાટલો થશે.’ છ મહીનાનો 'વાંધો નહીં.' ‘વિક્રમ શાંત ભાવે બોલ્યો. પંચાયતનો દંડ મને મંજુર છે.' 

વાત માની લેવાઈ. 

     ભિખારીના વેષધારી વિક્રમને ટીંબા પર ઉભો રાખી એનાં વસ્ત્રો ઉતાર્યો. એકાએક ગળામાં પડેલો હીરાનો હાર જોઈ બધા ચોંકયા. જલ્લાદ ચીસ પાડી ઉઠયો“અરે ! આ ભિખારીએ તો હીરાનો હાર પહેયો છે. 

પંચ ચોંકી ગયું. સાચેજ એ હાર હીરાનો હતો. 

‘કોણ છે તું?” એક પંચે પૂછયું. 'અરે ! હીરાનો હાર છે. ગળામાં કોરડા મારવાના બદલે હાર વેચી પૈસા વસુલ કરી લો’ —બીજો બોલ્યો. 

વિક્રમે તરત હાર ઉતારીને આપી દીધો. હીરાનો હાર જોઈ બધા ચોકી ગયા. એ અત્યંત મૂલ્યવાન હતો. પંચ ચકિત હતા. બધાના મનમાં એક જ સવાલ હતો. આ હાર ભિખારી પાસે કંઈ રીતે આવ્યો? આ હાર તો કોઈ રાજા-મહારાજાનો લાગે છે. જરૂર આ ચોરીનો છે. 

        વિક્રમને પૂછપરછ કરવામાં આવી પણ વિક્રમે કોઈ જવાબ ન દીધો એટલે કોટવાળને જાણ કરાઈ. કોટવાળ દોડતો આવ્યો. હાર જોતા જ એ બોલ્યો-આ હાર તો રાજા વિક્રમનો છે.” 

'આ ભિખારી પાસે હતો.’ 

'ભિખારી….' કોટવાળે ભિખારી સામે જોયું તો જોતો જ રહી ગયો. એની આંખો રાજા વિક્રમને ભિખારીના વેષમાં જોઈ ફાટી ગઈ એણે ઓળખી લીધો.'જોઈ શું રહ્યા છો ? આ ભિખારીને પકડીને રાજ દરબારમાં લઈ જાવ ! એક પંચે ત્રાડ પાડી. 

કોટવાળ વિક્રમના પગમાં પડી ગયો-'અન્ન-દાતા....ક્ષમા કરો.' 

પંચના પગ નીચેથી ધરતી ખસી ગઈ. કોટવાળે કહ્યું- આ ભિખારી નથી. રાજા વિક્રમ પોતે છે.” 

     બસ પછી તો બધા વિક્રમના ચરણોમાં આળોટવા લાગ્યા. અને ખુબ વખાણ કરવા લાગ્યા. એક ગરીબ માણસને મદદ કરવા અને પંચાયતનું માન રાખવા માટે કોરડા ખાવા પણ રાજા તૈયાર થઈ ગયો. 

બધા રાજાનો જય જયકાર કરવા લાગ્યા. પોતાની પ્રજાનો પ્રેમ જોઈ વિક્રમ ગદ્ગદ્ થઈ ગયો. 

        હૈ રાજા ભોજ ! વિક્રમ આવો દયાળુ અને પ્રજાવત્સવ હતો. તારામાં આવા ગુણ હોય તોજ તું સિંહાસન પર બેસજે. 

પોતાની વાત પુરી કરી રતિબાળા ખડખડાટ હાસ્ય કરતી આકાશમાં ઉડી ગઈ.

No comments:

Post a Comment