બીજા દિવસે પ્રાતઃકાળે રાજા ભોજ ફરી સિંહાસન પર બેસવા તૈયાર થયો ત્યાંજ એક પુતળી ખડખડાટ હસી પડતા બોલી 'હે રાજા ભોજ ! તેં રાજા વિક્રમ જેવું એક પણ કામ કર્યું હોય તો જ તું આ સિંહાસને બેસજે. મારૂ નામ ચિત્રલેખા છે. વિક્રમે કેવા કેવા કામ કર્યાં છે એ હું તને જણાવું છું.
‘સિંહાસન પ્રાપ્ત કર્યા પછી રાજા વિક્રમ સુખ પૂર્વક રાજ કરવા લાવ્યા.પ્રજાના દુઃખ સુખનો ઘણો ખ્યાલ રાખતો.
એક દિવસ વિક્રમ યાત્રાએ નિકળ્યો. ફરતો ફરતો એક ઉંચા પહાડ પર આવ્યો.ત્યાં એક સાધુ તપસ્યા કરતા હતા. વિક્રમે એ સાધુની સેવા કરી તો સાધુ બોલ્યા
'હે રાજા વિક્રમ હું તારા પર પ્રસન્ન થઈને આ ફળ આપું છું! આ ફળ તારી રાણી ખાશે તો અત્યંત તેજસ્વી પુત્રને જન્મ આપશે.’
વિક્રમે ઘણા હર્ષથી ફળ લીધું અને પાછો ફર્યો. રસ્તામાં એક દુ:ખી સ્ત્રી મળી. સ્ત્રીને રડતી જોઈ વિક્રમનું હૃદય દ્રવી ગયું. એણે સ્ત્રીના દુઃખની વાત કરી તો સ્ત્રી બોલી-“હે ભાઈ, હું ઘણી દુર્ભાગી છું. મારી કૂખે સાત સંતાન જન્મ્યા પણ સાતે દિકરી. એક પણ દિકરો નથી. તેથી મારો પતિ મને ઢોરની જેમ મારે છે. દુઃખથી કંટાળીને હું કૂવે પડવા જાઉં છું.
આ સાંભળી વિક્રમે પેલુ ફળ એ સ્રી ને આપી દીધું.સ્ત્રી વિક્રમનો આભાર માનીને ચાલી ગઈ અને વિક્રમ પોતાના રાજમાં પાછો આવ્યો.એક દિવસ એક વિદ્વાન બ્રાહ્મણ રાજ દરબારમાં આવ્યો અને રાજાને એક ફળ આપતા કહ્યુ 'હે રાજન આ ફળ તમારી રાણીને ખવડાવજો તેથી એ મહાન પુત્રની માતા બનશે.
વિક્રમને ફળ જોઈને ઘણી નવાઈ લાગી. એણે બ્રાહ્મણને ધર્મના સોગંદ આપી ફળ વિષે પૂછયું. તો બ્રાહ્મણે જણાવ્યું કે આ ફળ મને મારી પ્રેમીકા પાસેથી મળ્યું છે. એને કોઈ વટે માર્ગુએ આપ્યું છે.
વિક્રમ ચુપ થઈ ગયો. સ્ત્રીની બેવફાઈનું એને ઘણું દુઃખ થયું. એણે એ ફળ પોતાની રાણી ને આપી દીધું.
થોડા દિવસ પછી એક નર્તકી દરબારમાં આવી.વિક્રમને કહેવા લાગી 'હે મહારાજ, હું તો પાપણી છું.મારી કુખે પુત્ર થાય તો એને પણ સુખ ન મળે. માટે આ ફળ તમે લઈ લો અને મહાન પુત્રના પિતા બનો.’ ફળ જોઈને વિક્રમ ચોંકી ગયો અને સખ્તાઈથી નર્તકીને ફળ વિષે પૂછયું તો નર્તકી બોલી 'હે રાજન, મને આ ફળ મહામંત્રીના પુત્રે આપ્યું છે. એને એની પ્રેમિકાએ આપ્યું હતું.’ વિક્રમે તરત મહામંત્રીના પુત્રને બોલાવ્યો. સખ્ત શિક્ષાના ડરથી મંત્રી પુત્રે રાણી સાથેના આડા સંબંધની વાત જણાવી દીધી.
વિક્રમને ઘણો આઘાત લાગ્યો. એને વૈરાગ્ય આવી ગયો. એજ રાતે રાજપાટ છોડી જંગલમાં ચાલ્યો ગયો અને ત્યાં તપસ્યા કરવા લાગ્યો.
વિક્રમના ગયા પછી ભગવાન ઈન્દ્ર પોતાના ખાસ દૂત આગિયા વૈતાળને નગરીના રક્ષણ માટે મોકલ્યો. આગિયો વૈતાળ વિક્રમનું રૂપ ધારણ કરી રાજ કરવા લાગ્યો.
બાર વર્ષ તપસ્યા કર્યા પછી વિક્રમને પોતાની પ્રજાના હાલ જાણવાની ઈચ્છા થઈ. એ નગર તરફ પાછો ફયો. ઉજજૈની આવતા આવતા રાત પડી ગઈ.
નગરની ચોકી કરતાં આગિયા વૈતાળે વિક્રમને રાક્યો. ત્યારે વિક્રમે પોતાની ઓળખાણ આપી તો આગિયો બોલ્યો કે'તું સાચે જ વીર વિક્રમ હોય તો મારી સાથે લડ. તું મને હરાવે તો હું માનુ કે તું સાચો વિક્રમ.’
વિક્રમે આગિયા સાથે યુદ્ધ કરી આગિયાને પોતાના અપૂર્વ પરાક્રમથી ડરાવી દીધો. ત્યારે આગિયો બોલ્યો માની ગયો, તુંજ વીર વિક્રમ છે. પણ સાંભળ તારા પ્રાણ પર સંકટ છે. એક કપટમુનિ તને મારીને રાજ મેળવવા માટે વૈતાળની સાધના કરી રહ્યો છે. તું તત્કાળ એને મારી નાંખ.'
“એ મુનિ ક્યાં છે?' વિક્રમે પુછ્યું. 'ગંધમાદન પર્વતની નીચે.'વિક્રમ તરત ગંધમાદન પર્વત તરફ રવાના થયો. ત્યાં એક મુનિ તપસ્યા કરતો હતો. વિક્રમ એનો ચેલો બનીને સેવા કરવા લાગ્યો. થોડા
દિવસ પછી મુનિએ વૃક્ષની ડાળે લટકતા મુડદાને લઈ આવવાની આજ્ઞા કરી કારણ કે એ મડદામાં વેતાળનો વાસ હતો. વિક્રમ ઉંધા લટકતા વેતાળને ખભે નાંખી ચાલવા માંડયો. ત્યારે વેતાળ બોલ્યો-હે રાજા વિક્રમ, કપટમુનિ તને ઓળખી ગયો છે. એ તારૂં બલિદાન આપવા ઈચ્છે છે ! માટે સાવધ રહેજે. હું તારી વીરતા પર પ્રસન્ન છું! ને તું એ મુનિ ને મારી નાંખે તો તું અને હું બન્ને બચી જઈશું! જો તું મારા બદલે એની બલિ ચઢાવી દે તો. હું આ જીવન આગિયાની જેમ તારી સેવા કરીશ.
વિક્રમ કોઈ જવાબ આપ્યા વગર યોગી પાસે આવ્યો. વેતાળને જોઈ ખુશ થઈ ગયેલો મુનિ બોલ્યો-'વાંકો વળીને એને ઉતાર.’
વિક્રમ સમજી ગયો કે ને હું વાંકો વળ્યો તો આ મુનિ મારી ગરદન કાપી નાંખશે. તેથી એ બોલ્યો—“હું ઘણો થાકી ગયો છું તમે જ
ઉતારી લો.’
મુનિ જેવો વાંકો વળ્યો કે તરત જ વિક્રમે તલવાર કાઢી એનુ મસ્તક ઉડાડી દીધું. વેતાળે વિક્રમનો જય જયકાર કરતા કહ્યું 'હે વીર વિક્રમ, તે મારો પ્રાણ બચાવી મારા પર મોટો ઉપકાર કયો છે. હું આ જીવન તને સાથ આપીશ.
ત્યાંજ આગિયો પ્રગટ થયો.
'હે રાજન, તમારૂં રાજ સંભાળી મને આજ્ઞા આપો. તમે જ્યારે યાદ કરશો ત્યારે હું આવી જઈશ.'
હે રાજા ભોજ! આ રીતે આગિયો અને વેતાળ બન્ને રાજા વિક્રમના રક્ષક બનીને એને સાથ આપવા લાગ્યા. શું આવા ગુણ તારામાં છે ? તું રાજા વિક્રમ જેવો વીર અને દાનેશ્વરી છે ? ને છે. તો આ સિંહાસન પર બેસી શકે છે.?
આટલુ કહીને ચિત્રલેખા આકાશમાં ઉડી ગઈ. રાજા ભોજ અને દરબારી આશ્ચર્યથી આ દૃશ્ય જોતા રહી ગયા.
No comments:
Post a Comment