ચોથી પુતળી ચંદ્રકળાની વાર્તા | બત્રીસ પુતળી ની વાર્તા | સિંહાસન બત્રીસી ભાગ-4 । વિક્રમરાજા ની ગુજરાતી વાર્તા | Sinhasan battisi part-4 | Sihasan batrisi part-4

 ૪. ચંદ્રકળાની વાર્તા 

    સિંહાસન પર આરૂઢ થવા તૈયાર થયેલાં રાજા ભોજને રોકતા ચંદ્રકળા નામની પુતળી બોલી-હે રાજા ભોજ, વીર વિક્રમ કેવો દાનવીર હતો એની એક વાત હું તને કહું છું. એ તું સાંભળ. 'અમરપુરી નગરીમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો 

એક દિવસ એની ઝુંપડીને આગ લાગી એનું સર્વસ્વ સ્વાહા થઈ ગયું. તેથી બ્રાહ્મણ-બ્રાહ્મણી રડવા લાગ્યા. પડોશની એક સ્ત્રી બ્રાહ્મણીને સાંત્વના આપી પોતાના ઘેર લઈ ગઈ અને કહેવા લાગી-'હે બહેન રડ નહી. ઉજજૈની નગરીનો રાજા વિક્રમ ઘણો દાનવીર છે. કોઈ એના દરબારમાંથી ખાલી હાથે પાછુ જતુ નથી. તું તારા પતિને રાજા વિક્રમ પાસે મોકલ. એમની પાસેથી એક નાનુ મકાન માગી સુખે રહો.' 

         બ્રાહ્મણીના ગળે વાત ઉતરી ગઈ. એણે પતિને વાત કરી. 

બ્રાહ્મણ બોલ્યો- 'તારી વાત સાચી છે રાજા વિક્રમની દાનવીરતાની મેં પણ પ્રશંસા સાંભળી છે. 

આ બહાને સચ્ચાઈ જાણવા મળશે.’ 

બ્રાહ્મણ ઉજજૈની નગરીમાં આવ્યો. પૂછતો પૂછતો રાજ દરબારમાં આવ્યો. વિક્રમનો આંખ આંજી નાખે એવો ભવ્ય મહેલ જોઈ બ્રાહ્મણ વિચાર કરવા લાગ્યો કે અરેરે ! હું પણ મહામૂર્ખ છું. સમંદર માંથી એક ખોબો ભરીને જળ લેવું એ નરી મૂર્ખતા જ ગણાય. માગી માગીને નાનુ મકાન શું માગવુ. મહેલ જ શા માટે ન માગી લેવો? 

આમં વિચાર કરતો બ્રાહ્મણ રાજ દરબારમાં ગયો. રાજા વિક્રમને પોતાનું દુઃખ જણાવતા કહ્યું. 'હે રાજન, મારી ઝુંપડી બળી ગઈ છે. માથુ છુપાવવાની પણ જગ્યા નથી. 

'શું ઈચ્છો છો બ્રાહ્મણ દેવતા.’ 

'માથું છુપાવાની જગ્યા.’ 

'અન્નદાતા એક મહેલ ઈચ્છું છું.'


‘મારો મહેલ જોઈએ છે ? 

'જેવી તમારી કૃપા અન્નદાતા. 

સારૂ આપ્યો. 

રાજા વિક્રમે પોતાનો રાજમહેલ બ્રાહ્મણને દાનમાં આપી દીધો. બ્રાહ્મણ ચકિત થઈ ગયો એને આવી આશા ન હતી. એ તો સ્તબ્ધ થઈ ગયો. 

રાજાના આ દાનના સમાચાર સર્વત્ર ફેલાઈ ગયા. બધે રાજાની પ્રશંસા થવા લાગી કે વિક્રમ જેવો દાની પુરૂષ મળેવો દુર્લભ છે. 

બ્રાહ્મણ રાજાનો મહેલ મળતા ચક્તિ હતો. બ્રાહ્મણી સહિત એ વિશાળ રાજમહેલમાં આવી ગયો. પણ આટલો મોટો સૂનો મહેલ જોઈ એની બુદ્ધિ કામ કરતી ન હતી. શું કરવું ? 'બ્રાહ્મણી પણ ચકિત હતીએ. તો બ્રાહ્મણ પર રોષે ભરાઈને બોલી પણ ખરી 

રાજા પાસે આટલો મોટો મહેલ માગવાની શું જરૂર હતી. નાનકડું મકાન માંગવું હતું રાજા વિક્રમે તો રાજ મહેલ ખાલી કરી દીધો. 

‘મેં મહેલ માગ્યો હતો, રાજ મહેલ નહીં 'તો રાજાએ રાજ મહેલ કેમ આપી દીધો! 

'પોતાની મરજી થી..'હવે આટલો મોટો મહેલ લઈને આપણે શું કરછુ १' 

બ્રાહ્મણ જવાબ ન આપી શકયો. 

-

     રાજાના શાનદાર મહેલમાં એક ખુણામાં એમણે પોતાની નાનકડી ગૃહસ્થી જમાવી. એજ ખુણામાં બ્રાહ્મણ બ્રાહ્મણીએ રસોઈ કરી. 

ખાઈ-પીને બ્રાહ્મણ-બ્રાહ્મણી સુઈ ગયા. સૂનો મહેલ સાંય સાંય કરતો હતો. રાતના સન્નાટા સાથે મહેલનું વાતાવરણ વધુ ડરામણુ થતું ગયું બંન્નેને ઊંઘ આવતી ન હતી. બન્ને ચુપચાપ એક તરફ પડયા હતા. રહીને પડખા - ઘસતા હતા. બ્રાહ્મણ પરેશાન હતો. આટલો મોટો મહેલ મફતમાં લઈને એણે પરેશાની વહોરી લીધી. હતી.આ વિશાળ મહેલનું કરવું શું? આ મહેલના બદલે એક ઝંપડી માગી લીધી હોત તો સારુ હતું. 

     અજ્ઞાત ભયના કારણે બન્નેને ઉંઘ આવતી ન હતી. 

અચાનક મધરાત પછી મહેલમાં કાંઈક આવાજ થયો. જોત જોતામાં બ્રાહ્મણ બ્રાહ્મણી જમીન પરથી ઉંચકાઈને સુંદર શૈયા પર આવી ગયા. મહેલના એ ભાગ અનેક પ્રકારના સામાનથી ભરાઈ ગયા

'અરે…આ શું?' બ્રાહ્મણી ગભરાઈ ગઈ. બ્રાહ્મણ પણ ગભરાઈને બેઠો થઈ ગયો. 'હે, ભગવાન! આ શું ચમત્કાર છે !' 

બ્રાહ્મણી ભયથી થર થર કાંપવા લાગી. એ ગભરાઈ ને બોલી’આ ઘરમાં ભૂત-પ્રેતની માયા લાગે છે. આ બધુ શું થઈ ગયું ?’ 

બ્રાહ્મણ ઘણોજ ડરી ગયો. ત્યાંજ કોક અવાજ થયો. બ્રાહ્મણ ડરતા ડરતા બોલ્યો કોણ....છે ?, 'હુ છું.”અવાજ આવ્યો, 'અરે.. બાપરે ભૂત પ્રેત...ભાગ. અવાજ સાંભળતા જ બ્રાહ્મણી ભાગી અને પાછળ બ્રાહ્મણ ભાગ્યા. મહેલની બહાર જમીન પર બેડા બેઠા આખી રાત રામ રામ રામ નું નામ લઈ ને વિતાવી સવાર પડતાંજ બ્રાહ્મણ કાન પકડતા બોલ્યો-

આ મહેલમાં રહેવાની તાકાત આપણી નથી. હું અત્યારે જ મહેલ રાજાને પાછો આપું છું. 

સવાર પડતાંજ બ્રાહ્મણ વિક્રમ પાસે ગયો. વિક્રમના પગમાં પડી જતાં બોલ્યો- હે રાજન

મારે મહેલ નથી જોઈતો. ત્યાં ભૂત રહે છે.” 

     ત્યારે વિક્રમ બોલ્યો'હે બ્રાહ્મણ દેવતા, તમે ભલે નિર્ધન હો, પણ મારા માટે પૂજનીય છે. તમને આપેલો મહેલ ભલા હું કઈ રીતે લઈ શકું ? દાન આપેલી વસ્તુ પાછી લઉં તો હું પાપમાં પડુ.' 

બ્રાહ્મણ શું બોલે ? મહામંત્રી એ તોડ કાઢય! કે મહેલનુ મૂલ્ય આપીને પાછો લઈ શકાય. રાજા વિક્રમે તરત એનું મૂલ્ય ચુકવી દેવાની આજ્ઞા કરી. 

ધનનો ઢગલો મળતા બ્રાહ્મણ રાજના રેડ થઈ ગયો. તરત બ્રાહ્મણીને સાથે લઈને પોતાના ગામ તરફ રવાના થયો. 

હવે આ બાજુ વિક્રમને બ્રાહ્મણની વાતથી ઘણી નવાઈ લાગી. મહેલમાં ભૂત રહેતા હોય એ વાત માનવા વિક્રમ તૈયાર ન હતો. એટલે એણે આખી રાત જાગવાનુ નક્કી કર્યું". 

રાતે વિક્રમ મહેલમાં એકલો સુતો. મધરાતે અવાજ થતાં જ એણે તલવાર ખેંચી પણ ક્યાંય કોઈ ન હતું. એવાજ ફરી થયો ત્યારે વિક્રમે બુમ મારી ! 'કોણ છે ?' 

'હું……'જવાબ માળ્યો ‘હું કોણ ?, 

'હું……લક્ષ્મી… તારા રાજ્યની લક્ષ્મી. રાજા વિક્રમ તું ધર્માચરણ કરે છે તેથી તારા મહેલમાં-મારો વાસ છે.' 

વિક્રમ ગદગદ થઈ ગયો. પ્રણામ કરતાં બોલ્યો 'મા, તમારી ઘણી કૃપા છે. લક્ષ્મી રાજા વિક્રમની સામે આવી. વિક્રમે સાષ્ટાંગ પ્રણામ કર્યો એ પ્રસન્ન થતા બોલી-

'હે વિક્રમ ! હું તારા પર પ્રસન્ન છુ. જોઈએ તે માગી લે. રાજા વિક્રમ હાથ જોડી ને ઉભો રહ્યો તો લક્ષ્મી ફરી બોલી-'જે ઈચ્છા હોય એ માગી લે વિક્રમ. 

રાજા વિક્રમ થોડીવાર મૌન ઉભો રહ્યો પછી બોલ્યો 'હે દેવી ! તમારી એવી આજ્ઞા છે તો મારો મહેલ છોડી મારી પ્રજાના ઘેર ઘેર ધન વર્ષો કરી દો. 

'તથાસ્તુ.' કહીને લક્ષ્મી ચાલી ગઈ. 

હે રાજા ભોજ. એ રાતે ઉજ્જેન નગરી ના ઘરેઘરમાં દાનની વર્ષા થઈ. વિક્રમની પ્રજા ધનથી પરિપૂર્ણ થઈ ગઈ. વિક્રમે લક્ષ્મી પ્રસન્ન થતા, પોતાના માટે નહીં પોતાની પ્રજા માટે ધન માગ્યુ. તું આટલો ઉદાર છે? ગરીબ બ્રાહ્મણને તારો મહેલ દાનમાં આપી શકે છે? તેં કદી આવા કામ કર્યા છે? જો કર્યા હોય તો આ સિંહાસન પર બેસ નહીંતર નહીં. 

આટલુ કહીને ચંદ્રકળા આકાશમાં ઉડી ગઈ

ત્રીજી પુતળી રતિબાળાની વાર્તા | બત્રીસ પુતળી ની વાર્તા | સિંહાસન બત્રીસી ભાગ-3 । વિક્રમરાજા ની ગુજરાતી વાર્તા | Sinhasan battisi part-3 | Sihasan batrisi part-3

  

 ૩. રતિબાળાની વાર્તા 

રતિબાળા બોલી કહે રાજા ભોજ ! વીર વિક્રમ રાજમહેલના સુખોની પરવા કર્યા વગર પોતાની પ્રજાના દુઃખ સુખનો ખ્યાલ રાખતો હતો. રાતે વેશ પલટો કરી નગર ચર્યાએ નિકળતો અને પ્રજાના દુઃખની વાતો સાંભળતો. 

એક દિવસ વિક્રમ ભિખારીનો વેશ ધારણ કરી પોતાની પ્રજાના હાલ જાણવા નિકળ્યો. ફરતે ફરતો એક ગામમાં આવ્યો. ત્યાં એક સ્ત્રીને રડતી જોઈ એના દુઃખની વાત પુછી તો સ્ત્રી બોલી-'તું પોતે ભિખારી છે ત્યાં તું અમને શું મદદ કરીશ.' 

'કદાચ કામમાં આવું' વિક્રમ બોલ્યો. 

‘સારૂ તો સાંભળ, 

            આજ શાહુકારની મુદતનો છેલ્લો દિવસ છે. એનુ દેણ અમારાથી ભરાયુ નથી. આજે એ મારા પતિને કોરડાથી મારશે. દેણુ ન ચુકવી શકાય તો એજ દંડ મળે છે. મારો પતિ ખેતરે ગયો છે. શાહુકારના માણસો હમણાં એને પકડી લાવશે અને પંદર કોરડા મારશે., 

આ સાંભળી વિક્રમ બોલ્યો તારા પતિના બદલે બીજો કોઈ સજા ન ભોગવી શકે ?” 

'ભોગવી શકે પણ અમે ગરીબ છીએ. કોણ અમને મદદ કરે ?' 

‘તારા પતિના બદલે હું સજા ભોગવીશ.’ સ્ત્રીને આશ્ચર્ય થયું. ત્યાંજ શાહુકાર પોતાના માણસો સાથે આવ્યો. વિક્રમે પોતાને દોરલ મારવા કહ્યું તો શાહુકાર એને સમજાવવા લાગ્યો-‘નાહક શા માટે મરે છે ? દોરડા તારી ચામડી ઉતરડી લેશે.’ 

વિક્રમ ન માન્યો એટલે શાહુકારના માણસો એને ઢસડીને લઈ ગયા. વિક્રમને પંચાયત સામે હાજર કરાયો. વાત સાંભળીને પંચને પણ આશ્ચર્ય થયું. એક પંચે વિક્રમને સમજાવ્યો-શા માટે નાહક ચામડી ઉતરાવે છે ? ખાટલો થશે.’ છ મહીનાનો 'વાંધો નહીં.' ‘વિક્રમ શાંત ભાવે બોલ્યો. પંચાયતનો દંડ મને મંજુર છે.' 

વાત માની લેવાઈ. 

     ભિખારીના વેષધારી વિક્રમને ટીંબા પર ઉભો રાખી એનાં વસ્ત્રો ઉતાર્યો. એકાએક ગળામાં પડેલો હીરાનો હાર જોઈ બધા ચોંકયા. જલ્લાદ ચીસ પાડી ઉઠયો“અરે ! આ ભિખારીએ તો હીરાનો હાર પહેયો છે. 

પંચ ચોંકી ગયું. સાચેજ એ હાર હીરાનો હતો. 

‘કોણ છે તું?” એક પંચે પૂછયું. 'અરે ! હીરાનો હાર છે. ગળામાં કોરડા મારવાના બદલે હાર વેચી પૈસા વસુલ કરી લો’ —બીજો બોલ્યો. 

વિક્રમે તરત હાર ઉતારીને આપી દીધો. હીરાનો હાર જોઈ બધા ચોકી ગયા. એ અત્યંત મૂલ્યવાન હતો. પંચ ચકિત હતા. બધાના મનમાં એક જ સવાલ હતો. આ હાર ભિખારી પાસે કંઈ રીતે આવ્યો? આ હાર તો કોઈ રાજા-મહારાજાનો લાગે છે. જરૂર આ ચોરીનો છે. 

        વિક્રમને પૂછપરછ કરવામાં આવી પણ વિક્રમે કોઈ જવાબ ન દીધો એટલે કોટવાળને જાણ કરાઈ. કોટવાળ દોડતો આવ્યો. હાર જોતા જ એ બોલ્યો-આ હાર તો રાજા વિક્રમનો છે.” 

'આ ભિખારી પાસે હતો.’ 

'ભિખારી….' કોટવાળે ભિખારી સામે જોયું તો જોતો જ રહી ગયો. એની આંખો રાજા વિક્રમને ભિખારીના વેષમાં જોઈ ફાટી ગઈ એણે ઓળખી લીધો.'જોઈ શું રહ્યા છો ? આ ભિખારીને પકડીને રાજ દરબારમાં લઈ જાવ ! એક પંચે ત્રાડ પાડી. 

કોટવાળ વિક્રમના પગમાં પડી ગયો-'અન્ન-દાતા....ક્ષમા કરો.' 

પંચના પગ નીચેથી ધરતી ખસી ગઈ. કોટવાળે કહ્યું- આ ભિખારી નથી. રાજા વિક્રમ પોતે છે.” 

     બસ પછી તો બધા વિક્રમના ચરણોમાં આળોટવા લાગ્યા. અને ખુબ વખાણ કરવા લાગ્યા. એક ગરીબ માણસને મદદ કરવા અને પંચાયતનું માન રાખવા માટે કોરડા ખાવા પણ રાજા તૈયાર થઈ ગયો. 

બધા રાજાનો જય જયકાર કરવા લાગ્યા. પોતાની પ્રજાનો પ્રેમ જોઈ વિક્રમ ગદ્ગદ્ થઈ ગયો. 

        હૈ રાજા ભોજ ! વિક્રમ આવો દયાળુ અને પ્રજાવત્સવ હતો. તારામાં આવા ગુણ હોય તોજ તું સિંહાસન પર બેસજે. 

પોતાની વાત પુરી કરી રતિબાળા ખડખડાટ હાસ્ય કરતી આકાશમાં ઉડી ગઈ.

બીજી પુતળી ચિત્રલેખાની વાર્તા | બત્રીસ પુતળી ની વાર્તા | સિંહાસન બત્રીસી ભાગ-2 । વિક્રમરાજા ની ગુજરાતી વાર્તા | Sinhasan battisi part-2 | Sihasan batrisi part-2



 ૨. ચિત્રલેખાની વાર્તા. 

     બીજા દિવસે પ્રાતઃકાળે રાજા ભોજ ફરી સિંહાસન પર બેસવા તૈયાર થયો ત્યાંજ એક પુતળી ખડખડાટ હસી પડતા બોલી 'હે રાજા ભોજ ! તેં રાજા વિક્રમ જેવું એક પણ કામ કર્યું હોય તો જ તું આ સિંહાસને બેસજે. મારૂ નામ ચિત્રલેખા છે. વિક્રમે કેવા કેવા કામ કર્યાં છે એ હું તને જણાવું છું. 

‘સિંહાસન પ્રાપ્ત કર્યા પછી રાજા વિક્રમ સુખ પૂર્વક રાજ કરવા લાવ્યા.પ્રજાના દુઃખ સુખનો ઘણો ખ્યાલ રાખતો. 

      એક દિવસ વિક્રમ યાત્રાએ નિકળ્યો. ફરતો ફરતો એક ઉંચા પહાડ પર આવ્યો.ત્યાં એક સાધુ તપસ્યા કરતા હતા. વિક્રમે એ સાધુની સેવા કરી તો સાધુ બોલ્યા

                   'હે રાજા વિક્રમ હું તારા પર પ્રસન્ન થઈને આ ફળ આપું છું! આ ફળ તારી રાણી ખાશે તો અત્યંત તેજસ્વી પુત્રને જન્મ આપશે.’ 

વિક્રમે ઘણા હર્ષથી ફળ લીધું અને પાછો ફર્યો. રસ્તામાં એક દુ:ખી સ્ત્રી મળી. સ્ત્રીને રડતી જોઈ વિક્રમનું હૃદય દ્રવી ગયું. એણે સ્ત્રીના દુઃખની વાત કરી તો સ્ત્રી બોલી-“હે ભાઈ, હું ઘણી દુર્ભાગી છું. મારી કૂખે સાત સંતાન જન્મ્યા પણ સાતે દિકરી. એક પણ દિકરો નથી. તેથી મારો પતિ મને ઢોરની જેમ મારે છે. દુઃખથી કંટાળીને હું કૂવે પડવા જાઉં છું. 

        આ સાંભળી વિક્રમે પેલુ ફળ એ સ્રી ને આપી દીધું.સ્ત્રી વિક્રમનો આભાર માનીને ચાલી ગઈ અને વિક્રમ પોતાના રાજમાં પાછો આવ્યો.એક દિવસ એક વિદ્વાન બ્રાહ્મણ રાજ દરબારમાં આવ્યો અને રાજાને એક ફળ આપતા કહ્યુ 'હે રાજન આ ફળ તમારી રાણીને ખવડાવજો તેથી એ મહાન પુત્રની માતા બનશે. 

વિક્રમને ફળ જોઈને ઘણી નવાઈ લાગી. એણે બ્રાહ્મણને ધર્મના સોગંદ આપી ફળ વિષે પૂછયું. તો બ્રાહ્મણે જણાવ્યું કે આ ફળ મને મારી પ્રેમીકા પાસેથી મળ્યું છે. એને કોઈ વટે માર્ગુએ આપ્યું છે. 

વિક્રમ ચુપ થઈ ગયો. સ્ત્રીની બેવફાઈનું એને ઘણું દુઃખ થયું. એણે એ ફળ પોતાની રાણી ને આપી દીધું. 

        થોડા દિવસ પછી એક નર્તકી દરબારમાં આવી.વિક્રમને કહેવા લાગી 'હે મહારાજ, હું તો પાપણી છું.મારી કુખે પુત્ર થાય તો એને પણ સુખ ન મળે. માટે આ ફળ તમે લઈ લો અને મહાન પુત્રના પિતા બનો.’ ફળ જોઈને વિક્રમ ચોંકી ગયો અને સખ્તાઈથી નર્તકીને ફળ વિષે પૂછયું તો નર્તકી બોલી 'હે રાજન, મને આ ફળ મહામંત્રીના પુત્રે આપ્યું છે. એને એની પ્રેમિકાએ આપ્યું હતું.’ વિક્રમે તરત મહામંત્રીના પુત્રને બોલાવ્યો. સખ્ત શિક્ષાના ડરથી મંત્રી પુત્રે રાણી સાથેના આડા સંબંધની વાત જણાવી દીધી. 

વિક્રમને ઘણો આઘાત લાગ્યો. એને વૈરાગ્ય આવી ગયો. એજ રાતે રાજપાટ છોડી જંગલમાં ચાલ્યો ગયો અને ત્યાં તપસ્યા કરવા લાગ્યો.


      વિક્રમના ગયા પછી ભગવાન ઈન્દ્ર પોતાના ખાસ દૂત આગિયા વૈતાળને નગરીના રક્ષણ માટે મોકલ્યો. આગિયો વૈતાળ વિક્રમનું રૂપ ધારણ કરી રાજ કરવા લાગ્યો. 

બાર વર્ષ તપસ્યા કર્યા પછી વિક્રમને પોતાની પ્રજાના હાલ જાણવાની ઈચ્છા થઈ. એ નગર તરફ પાછો ફયો. ઉજજૈની આવતા આવતા રાત પડી ગઈ. 

નગરની ચોકી કરતાં આગિયા વૈતાળે વિક્રમને રાક્યો. ત્યારે વિક્રમે પોતાની ઓળખાણ આપી તો આગિયો બોલ્યો કે'તું સાચે જ વીર વિક્રમ હોય તો મારી સાથે લડ. તું મને હરાવે તો હું માનુ કે તું સાચો વિક્રમ.’ 

વિક્રમે આગિયા સાથે યુદ્ધ કરી આગિયાને પોતાના અપૂર્વ પરાક્રમથી ડરાવી દીધો. ત્યારે આગિયો બોલ્યો માની ગયો, તુંજ વીર વિક્રમ છે. પણ સાંભળ તારા પ્રાણ પર સંકટ છે. એક કપટમુનિ તને મારીને રાજ મેળવવા માટે વૈતાળની સાધના કરી રહ્યો છે. તું તત્કાળ એને મારી નાંખ.' 

“એ મુનિ ક્યાં છે?' વિક્રમે પુછ્યું. 'ગંધમાદન પર્વતની નીચે.'વિક્રમ તરત ગંધમાદન પર્વત તરફ રવાના થયો. ત્યાં એક મુનિ તપસ્યા કરતો હતો. વિક્રમ એનો ચેલો બનીને સેવા કરવા લાગ્યો. થોડા                                            

                  દિવસ પછી મુનિએ વૃક્ષની ડાળે લટકતા મુડદાને લઈ આવવાની આજ્ઞા કરી કારણ કે એ મડદામાં વેતાળનો વાસ હતો. વિક્રમ ઉંધા લટકતા વેતાળને ખભે નાંખી ચાલવા માંડયો. ત્યારે વેતાળ બોલ્યો-હે રાજા વિક્રમ, કપટમુનિ તને ઓળખી ગયો છે. એ તારૂં બલિદાન આપવા ઈચ્છે છે ! માટે સાવધ રહેજે. હું તારી વીરતા પર પ્રસન્ન છું! ને તું એ મુનિ ને મારી નાંખે તો તું અને હું બન્ને બચી જઈશું! જો તું મારા બદલે એની બલિ ચઢાવી દે તો. હું આ જીવન આગિયાની જેમ તારી સેવા કરીશ. 

               વિક્રમ કોઈ જવાબ આપ્યા વગર યોગી પાસે આવ્યો. વેતાળને જોઈ ખુશ થઈ ગયેલો મુનિ બોલ્યો-'વાંકો વળીને એને ઉતાર.’ 

વિક્રમ સમજી ગયો કે ને હું વાંકો વળ્યો તો આ મુનિ મારી ગરદન કાપી નાંખશે. તેથી એ બોલ્યો—“હું ઘણો થાકી ગયો છું તમે જ

ઉતારી લો.’ 

                  મુનિ જેવો વાંકો વળ્યો કે તરત જ વિક્રમે તલવાર કાઢી એનુ મસ્તક ઉડાડી દીધું. વેતાળે વિક્રમનો જય જયકાર કરતા કહ્યું 'હે વીર વિક્રમ, તે મારો પ્રાણ બચાવી મારા પર મોટો ઉપકાર કયો છે. હું આ જીવન તને સાથ આપીશ. 

ત્યાંજ આગિયો પ્રગટ થયો. 

        'હે રાજન, તમારૂં રાજ સંભાળી મને આજ્ઞા આપો. તમે જ્યારે યાદ કરશો ત્યારે હું આવી જઈશ.' 

હે રાજા ભોજ! આ રીતે આગિયો અને વેતાળ બન્ને રાજા વિક્રમના રક્ષક બનીને એને સાથ આપવા લાગ્યા. શું આવા ગુણ તારામાં છે ? તું રાજા વિક્રમ જેવો વીર અને દાનેશ્વરી છે ? ને છે. તો આ સિંહાસન પર બેસી શકે છે.? 

આટલુ કહીને ચિત્રલેખા આકાશમાં ઉડી ગઈ. રાજા ભોજ અને દરબારી આશ્ચર્યથી આ દૃશ્ય જોતા રહી ગયા.

બત્રીસ પુતળી ની વાર્તા | સિંહાસન બત્રીસી ભાગ-૧ । પહેલી પુતળી રત્ન મંજરીની વાર્તા । વિક્રમરાજા ની વાર્તા ગુજરાતી | Sinhasan batrisi part-1 | Sihasan battisi part-1

 ૧. રત્ન મંજરીની વાર્તા 


               ઉજજેની નગરીના છેવાડે કુંભારની વસ્તી હતી. માટીના પાત્રો બનાવી કુંભારો સુખે જીવન વીતાવતા હતા. વસ્તીની આસપાસ માટીના ટીંબા હતા. માટી ઘણીજ સુંદર અને ચિંકણી હતી. એના પાત્ર સરળતાથી મજબૂત અને સુંદર બનતા. વળી કુંભારો ગાય, ભેંસ, બકરી વગેરે પણ રાખતા. વ્રજભાણ નામનો એક ભરવાડ આ ઢોર ચારતો. 
        વ્રજભાણ ને એક પુત્ર હતો. એનું નામ ચંદ્રભાણ હતું. એ ઘણો ભોળો હતો. ઢોર ચારવા જતો ત્યારે ઢોર ને રખડતા મુકી ટીખા પર સુઈ. જતો એની સાથેના બીજા છોકરા રમતે અને ઢોરનું ધ્યાન રાખતા રમતા 
     ચંદ્રભાણ હંમેશની ટેવ પ્રમાણે બપોરના સમયે એક ટીંબા પર ચઢીને સુઈ ગયો. સુઈને ઉઠયો ત્યારે એને ઘણું વિચિત્ર લાગ્યું'એણે બુમ પાડીને છોકરાઓને બોલાવ્યા અને ઘણુંજ શાનથી પૂછવા લાગ્યો અહીંનો રાજા કોણ છે ? 
   બધા છોકરા એક બીજા સામે તાકી રહ્યા પણ એક છોકરો બોલી ઉઠયો-આપણા રાજાનું નામ મહારાજા ભોજ છે. નામ સાંભળાતાં જ ચંદ્રભાણ નો ચહેરો તમતમી ગયો.એ ત્રાડ પાડતા બોલ્યો'રાજા સાવ મૂર્ખ છે.ગધેડો છે.એને ન્યાય કરતા નથી આવડતુ.એ પ્રજાને ઘણો અન્યાય કરે છે એને પકડીને મારા દરબારમાં હાજર કરો.' 
     આ સાંભળી છોકરા ડરી ગયા.એક બોલ્યો ભાંગો અહીં થી આ આપણા રાજાને ગાળો દે છે.જો કોઈ સાંભળી જશે તો એની સાથે આપણે પણ માર્યા જઈશુ ભાગો.’ 
          બધા છોકરા ભાગી ગયા એટલે ચંદ્રભાણુ ટીંબા પરથી નીચે ઉતયો.નીચે ઉતરતાં જ એ સામાન્ય થઈ ગયો.સાંજે બધા ઘેર પાછા ફર્યાં. વસ્તીમાં વાત ચર્ચાવા લાગી.આ વાત ચિતુરી ચમારે સાંભળી.
એણે એક સૈનિક ને વાત કરી.સૈનિકે તરત રાજા ભોજને ગાળો દેનાર ચંદ્રભાણ ને પકડી લીધો અને દરબારમાં રજુ કર્યો.નવાઈની વાત હતી.આટલો નાનો છોકરો રાજા ભોજને ગાળો દે? 
       રાજા ભોજ ને પોતાને નવાઈ લાગતી હતી .ચંદ્રભાણની હાલત ખરાબ હતી.બંન્ને હાથ જોડીને એ રાજા સામે ઉભો હતો. થર થર ક્રાંપતો હતો.'તું ટીંબા પર ઉભો રહીને શું બકી રહ્યો હતો?'રાજાએ પૂછયુ. સરકાર....અન્નદાતા.. ચંદ્રભાણ ડરતા ડરતા બોલ્યો-એ ટીંબા પર જતાં જ મને ન જાણે શું થઈ જાય છે.’ 
       રાજા ભોજની બાજુમાં બેઠેલો મંત્રી ધ્યાનથી બધું સાંભળી રહ્યો હતો.એને ચંદ્રભાણની હાલત પર દયા આવતી હતી.એ બોલ્યો ચાલો આપણે એ ટીબા પર જઈએ. 
ચંદ્રભાણ અને સેનિકોને સાથે લઈને ટીબા પાસે ગયો.ધ્રુજતો ચંદ્રભાણ ટીંબા પર ચઢયો કે કે તરત એનો ગભરાવ ધ્રુજારી બંધ થઈ ગયા.
     એનું શરીર ટટ્ટાર થઈ ગયું. ચહેરા પર અપૂર્વ તેજ આવી ગયું. એ ત્રાડ પાડતા બોલ્યો - કયાં ગયો રાજા ભોજ ! એને ન્યાય કરતાં પણ નથી આવડતુ. 
આ સાંભળી મંત્રી વિચારમાં પડયો. પછી ચંદ્રભાણ નીચે ઉતર્યો અને મંત્રીના પગમાં પડી ગયો. મંત્રીએ એને માફ કરી દીધો 
મંત્રી રાજા ભોજ પાસે આવી કહેવા લાગ્યો. 
     “હે રાજન, છોકરો નિર્દોષ છે પણ જગ્યાનો માણસ માત્ર પર પ્રભાવ પડે છે. મારા ખ્યાલથી એ ટીંબા નીચે કાંઈક છે. તમે આજ્ઞા આપો તે ખોદકામ કરાવું. 
      રાજાભોજે આજ્ઞા આપી એટલે ટીંબાનું ખોદકામ શરુ થયુ. પંદર દિવસ પછી એક ભવ્ય સિંહાસન દેખાયું એને સાફ કરાયું તો સિંહાસન-ની કલા કારીગરી જોઈ બધા મોંમાં આંગળા નાંખી ગયા.ધામધુમ થી સિંહાસનને રાજભવન લવાયું. અને બ્રાહ્મણોએ સિંહાસનનું શુદ્ધિકરણ તથા પૂજન અર્ચન કર્યા પછી રાજના દરબારમાં મુક્યું. 
     સિંહાસન સોનાનું હતું. એના પર કોતરવામાં આવેલી બત્રીસ પૂતળીઓ સજીવ લાગતી હતી.
જાણે હમણાં બોલી ઉઠશે. 
      શુભ મૂહુર્તે રાજા ભોજ સિંહાસન પર આરુઢ થવા માટે આગળ વધ્યો. બ્રાહ્મણોએ સ્વસ્તિ વચન શરુ કર્યાં. અચાનક એક પુતળી બોલી 'સબુર રાજા ભોજ શું તું આ સિંહાસન પર બેસવા યોગ્ય છે?’ 
        રાજા ભોજ ! અને આખો દરબાર આશ્વર્ય ચક્તિ થઈ ગયો. ત્યારે પુતળી કહેવા લાગી 'હે રાજા ભોજ! મારુ નામ રત્નમંજરી છે. તારામાં રાજા વિક્રમ જેવા ગુણ હોય તોજ તું આ સિંહાસન પર બેસી શકીશ. રાજા ભોજે પૂછયુ-'તમે કોણ છો ? અને તમે મને સિંહાસન પર બેસતાં કેમ રોકો છો ? 
પૂતળી બોલી તો સાંભળો. અમે અમરાવતીની શ્રાપ્રિત પૂતળીઓ છીએ-માતા પાર્વતીનો અમારી ઉપર શ્રાપ છે. 
          દેવ લોકમાં દેવોનાદેવ ઇન્દ્રને નૃત્યગાનથી પ્રસન્ન કરનાર ઘણી અપ્સરાઓ માની અમે બત્રીસ અપ્સરાઓ નૃત્ય ગાનમાં પારંગત હતી. દેવો,દેવાંગનાઓ, કિન્નરો, ગાંધવો અમારી મુક્ત કંઠે પ્રસંસા કરતા હતા. 
એક દિવસ અમે બત્રીસ અપ્સરાઓ કૈલાસ પર્વત પર ફરવા નીકળી હતી. ત્યાંનું પાકૃતિક સૌંદર્ય જોતાં જોતાં ગંગા નદીના કિનારે પહોંચી ગયા. એટલામાં અમારી નજર સામે કિનારે મોટી શિલા પર સમાધિમાં બેઠેલા શંકર ભગવાન પર પડી. અમે બત્રીસે અપ્સરાઓ તેમના પર મોહી પડી. 
        એટલામાં પાર્વતી માતા આવ્યા. તેમણે અમારી વાતો સાંભળી. પાર્વતી માતાએ અમને શ્રાપ આપ્યો કે 'હે અપ્સરાઓ, તમે મારા પતિ પર કુદષ્ટિ કરી છે. તેથી તમને શ્રાપ આપુ છું કૈ તમે કૈલાસ પર્વત પર આવેલા સિંહાસન પરની પુતળીઓ બની જાવ અને સિંહાસનની શોભામાં વૃધારે કરો'. આમ કહી પાર્વતી માતા ચાલ્યા ગયા. 
        આ સિંહાસન બ્રહ્માજીએ વિશ્વ કર્મા પાસે બનાવડાવી શંકર ભગવાનને તેમના લગ્ન પ્રસંગે ભેટ આપેલું. 
ઈન્દ્રલોકની સભા અમારા વગર સૂની થઈ ગઈ. દેવોના દેવ ઇન્દ્રએ સમાધી લગાવી અને જાણ્યું કે દેવલોકની અપ્સરાઓ માતા પાર્વતીના શ્રાપથી કૈલાસ પર્વત પર આવેલા સિંહાસનની બત્રીસ પુતળીઓ બની ગઈ છે. તેથી           તેઓએ અમોને શ્રાપમાંથી મુકત કરાવવા શંકર ભગવાન પાસે ગયા અને તેમની પુજા કરી પ્રસન્ન કર્યા ઈન્દ્રરાજાએ કહ્યું, 'હે ભગવાન, અમારા દેવલોકની અપ્સરાઓ પાર્વતી માતાના શ્રાપથી સિંહાસનની પુતળીઓ બની ગઈ છે તો તેમને શ્રાપથી મુકત કરાવવાનો ઉપાય બતાવ્યો.’ 
બાજુમાં ઉભેલા પાર્વતી માતા બોલ્યા-‘એક ઉપાય છે અને તે એ છે કે આ સિંહાસન પર જ્યારે માલવપતિ રાજા            ભોજ બેસવા જશે ત્યારે આ અપ્સરાઓ શ્રાપથી મુક્ત બનશે.અને ફરીથી સ્વગૅ ની અપ્સરાઓ બનશે.’ આ સાંભળી શંકર ભગવાન અને દેવોના દેવ ઇન્દ્ર બંને આનંદિત થઈ ગયા. શંકર ભગવાને એ સિંહાસન ઈન્દ્રરાજાને ભેટ આપી દીધું. 
      ઇન્દ્રરાજા રથમાં સિંહાસન લઈને પોતાને ત્યાં અમરાવતી આવ્યા. એ સિંહાસન જોઈ દેવ-લોકો દણાં ખુશ થયા.સિંહાસનની પૂજા વિધિ કરી સભામાં ગોઠવામાં આવ્યુ. ઈન્દ્રરાજા સિંહાસન જોઈ ઘણાં ખુશ થતા. પણ      સિંહાસન પર બેસવાની તેમની હિંમત થતી ન હતી.રાજા ઈન્દ્રના દરબારમાં રંભા અને ઉર્વશી નામની બે             અપ્સરાઓ નાચગાનમાં ઘણી પારંગત હતી. તેઓ નૃત્યગાનથી દેવ સભાના દેવોને પ્રસન્ન કરતી. દેવોના દેવ ઈન્દ્રના જન્મ દિવસે નૃત્ય-ગાન યોજવામાં આવેલ. પરંતુ રંભા અને ઉર્વશી બન્ને પ્રથમ નૃત્ય કરવા માટે જિદ્દે ચઢેલા.એટલામાં નારદજી ફરતાં ફરતાં ત્યાં આવી ચડયા. તેમને કહ્યું આ વાતનો ઉકેલ તમારો પૌત્ર રાજા વિક્રમ     કરી શકે તેમ છે. ઈન્દ્રરાજાએ કહ્યું. ‘મુનીવર તો તમે જ વિક્રમને અહિં લઈ આવો તો સારૂં.' 
નારદજી ઉજજૈન નગરીમાં ગયા અને રાજા વિક્રમને સ્વર્ગમાં તેડી લાવ્યા. રાજા વિક્રમ દેવ-લોકની સજાવટ જોઈ દંગ થઈ ગયા. તેમને યોગ્ય આસને બેસાડવામાં આવ્યા. રંભા અને ઉદ્દેશી એમાંથી કોણ શ્રેષ્ઠ નર્તકી છે તે જણાવવા કહ્યું.ઈન્દ્રરાજાએ નૃત્ય ચાલુ કરવાનો આદેશ આપ્યો. વાઘ-વાજિંત્રો પર સૂર રેલાવા લાગ્યા. રંભા અને ઉર્વશી બન્નેએ નૃત્ય-ગાન શરૂ કર્યું. બન્નેએ પોતાની સમગ્ર શક્રિત નૃત્યમાં રેડી દીધી. રાજા ઈન્દ્ર અને વીર વિક્રમ બન્ને ધ્યાન પુર્વક નૃત્યગાન જોવા લાગ્યા. નૃત્યગાન સમાપ્ત થતાં રાજા વિક્રમે કહ્યું-‘રંભાનો સ્વર ઘણો મધૂર છે. તેનુ દેહ લાલિત્વ ગમે તેને લોભાવી દે તેવુ છે. જ્યારે ઉર્વસી નૃત્યમાં ઘણી નિપુર્ણ છે. તે વાજિંત્રોના સૂર સાથે ઉત્તમ રીતે તાલ મીલાવી શકે છે. તેમજ તે ઘણી સ્વરૂપવાન પણ છે. આમ રંભા સ્વર નિપુર્ણ છે. જ્યારે ઉર્વશી નૃત્ય-કલામાં નિપુર્ણ છે. એટલે કે તેઓ બન્ને એક બીજાના પૂરક છે. મારે મન તો કોઈ ચડિયાતી કે ઉતરતી નથી. 
આ જવાબ સાંભળી સમગ્ર દેવલોકના દેવો આનંદીત થઈ ગયા. ઇન્દ્રરાજાએ ખુશ થઈ શંકર 'ભગવાને આપેલુ સિંહાસન વીર વિક્રમને ભેટ આપ્યુ અને માનભેર તેમને વિદાય આપી. 
રાજા વિક્રમ સિંહાસન લઈને ઉજજૈન આવ્યા.સિંહાસનને પિતાના મહેલમાં પૂજન વિધિ કરી મુકાવ્યું. રાજા વિક્રમ એ સિંહાસન પર બેસતા અને નાચગાનમાં દિવસો પસાર કરતા, પ્રજા પ્રત્યેનું કર્તવ્ય બિલકુલ ભૂલી ગયા રાજ્યમાં અંધાધુંધી ફેલાવા લાગી. 
મંત્રીઓ, વિદ્વાનો એ રાજા વિક્રમને રાજ્યની પરિસ્થિતી જણાવી ત્યારે રાજા વિક્રમને ઘણું દુઃખ થયું. રાજા વિક્રમને લાગ્યુ કે જ્યારથી આ સિંહાસન મહેલમાં લાવ્યો છું ત્યારથી હું વિલાસી જીવન જીવતો થઈ ગયો છું. મારે મારા રાજ્યની રક્ષા કરવી હોય તો આ સિંહાસન ને મારી આંખ સામેથી દુર કરવું પડશે. તેથી તેમને સિંહાસનને નગરની બહાર ખાડો ખોદાવી વિધિ પૂર્વક જમીનમાં દાટી દેવડાવ્યું અને ત્યાં માટીનો મોટો ટેકરો કરી નંખાવ્યો. 
ત્યારબાદ રાજા વિક્રમે પોતાનું સમગ્ર જીવન લોક કલ્યાણ માટે અપીં દીધું. 
પહેલી પૂતળી બોલી અહીં સિંહાસનની વાત પૂરી થાય છે. જો તું રાજા વિક્રમ જેવો પરદુઃખ ભંજન,વીરોમાં વીર બુદ્ધિમાં શ્રેષ્ઠ હોય તોજ તું આ સિંહાસન પર બેસવાની હિંમતકરજે. 
રાજા વિક્રમની યશ ગાથા હું તને જણાવું છું. 
અંબાવતી નગરીના રાજાનું નામ ધર્મસેન હતુ. એ ધર્મનું પાલન કરવા વાળો હતો. એણે ચાર લગ્ન કર્યાં. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર કન્યા સાથે. ચારે રાણી ઘણી રૂપવતી હતી. ચારે ને એક એક પુત્ર હતો. બ્રાહ્મણીના પુત્રનું નામ શંખ હતુ, ક્ષત્રિણીના પુત્રનું વિક્રમ, નૈવૈશ્ય રાણીના પુત્રનુ નામ ચંદ્ર અને શુદ્ર રાણીનું ધન્વંતરી હતુ. ચારે રાજકુમાર અત્યંત મેઘાવી હતા પણ શંખ આત્યંત ધુર્ત અને સ્વાર્થી હતો 
ધર્મસેન ને વિક્રમ પર વધુ સ્નેહ. હતો. તેથી બધા એમજ માનતા હતા કે રાજા પોતાની ગાદી વિક્રમ ને સોપશે. શંખને આ વાતની ઘણી ચિંતા થતી. તેથી એણે એક કાવતરુ કર્યું. એક રાતે ઘસઘસાટ ઉંઘતા પિતા ધર્મસેનની હત્યા કરી નાખી અને પોતે રાજા બની બેઠો. આ સમાચાર મળતાં જ વિક્રમ, ચંદ્ર અને ધન્વંતરી ભાગી છુટયા. શંખે મારવાવાળા પાછળ મોકલ્યા.ચંદ્ર અને ધન્વંતરી માર્યા ગયા પણ વિક્રમ ગાઢ અરણ્યમાં ચાલ્યો ગયો તેથી એનો પતો ન લાગ્યો. 
શંખ રાજા તો બની ગયો પણ વિક્રમથી ઘણો ભયભીત રહેવા લાગ્યો એનું મન સતત શંકાશીલ રહેતું કે વિક્રમ કેઈ પડોશી રાજાની મદદ લઈ આક્રમણ ન કરે.આ ચિંતાના કારણે એની ઉંઘ હરામ થઈ ગઈ. ગુપ્તચરો વિક્રમને શોધતા હતા પણ વિક્રેમનો ક્યાંય પતો ન હતો.આખરે હારીને શંખે પોતાના રાજના વિધવાન જ્યોતિષીઓને બોલાવી ને કહ્યું‘તમે લોકો ગણતરી કરીને કહો કે વિક્રમ ક્યાં છે?” 
વિદ્ધાનોએ ગણતરી કરીને કહ્યું-'હે રાજા, વિક્રમ જીવતો છે અને તપસ્યા કરી રહ્યો છે. એના ભાગ્યમાં રાજયોગ છે. એ રાજ પ્રાપ્ત કરી અત્યંત યશસ્વી સમ્રાટ બનશે. ઇતિહાસમાં એનું નામ રહેશે.' 
આ સાંભળી ચિંતાતુર થઈ ગયેલા રાજા શંખે ગુપ્તચરોને આદેશ આપ્યો કે વિક્રમને પાતાળ માંથી શોઢી કાઢો અને મારી નાખો. 
ગુપ્તચરો નિકળી પડયા. એમણે એક ગાઢ અરણ્યમાં એક તપસ્વીને કઠોર તપશ્ચયા કરતો જોયો સરોવરના કાંઠે એની પર્ણકુટી હતી.
ગુપ્તચરોએ પાછા આવીને શંખને જાણ કરી તો શંખ સશસ્ર સૈનિકો સાથે ત્યાં ગયો. એ તપસ્વી વિક્રમ જ હતો.   શંખે એને મારી નાંખવા માટે એક તાંત્રીકને સાધ્યો. તાંત્રિકે વિક્રમ પાસે જઈને કહ્યું કે હું પણ મહાકાળીનો ભકત  છુ. માટે મહાકાળી મંદિરમાં પધારે.યોજના એવી હતી કે જયારે વિક્રમ મહાકાળી સામે સાષ્ટાંગ પ્રણામ કરવા માટે મસ્તક ઝુકાવે એજ વખતે ત્યાં છુપાયેલો રાજા શંખ તલવારના ઘા થી વિક્રમનું મસ્તક ઉડાવી દે. ખેલ ખત્મ થઈ જાય. મહાકાળીને બલી પણ ચઢે. આ રીતે તાંત્રિકને એક વધુ સિધ્ધિ પણ મળે.તાંત્રિકનું આમંત્રણ રવીકારી વિક્રમ મહાકાળીના મંદિરે આવ્યો. પોતાની તપસ્યા અને ધ્યાન યોગના પ્રભાવે એને આવનારા સંકટનો આભાસ થઈ ગયો હતો. તેથી એ ઘણો સાવધ હતો.મહાકાળી મંદિરના ભોંયરામાં બિરાજમાન હતા. ત્યાં અંધકાર હતો. વિક્રમે પુજારીનો હાથ પકડીને કહ્યું કે આજ એક નવી તાંત્રિક વિધિથી માને પ્રણામ કરશું. સાષ્ટાંગ દંડવત કરતી વખતે એણે તાંત્રિકને જમણી બાજુ રાખ્યો પછી પોતે પાછળ ખસી ગયો. થોડીવારે શંખ આવ્યો અને તલવાર વીંઝી, તાંત્રિકનું માથુ ધડથી અલગ થઈ ગયું. આ જોઈ વિક્રમે એક જ ઝાટકે શંખને ખત્મ કરી નાખ્યો અને એનું માથું લઈને રાજમહેલમાં આવ્યો.પ્રજાએ વિક્રમનો જય જયકાર કર્યો.
'હે રાજા ભોજ આ રીતે વિક્રમે પોતાનું ખોવાયેલું રાજ્ય પ્રાપ્ત કરી લીધું. અને પિતાની હત્યાનો પણ બદલો લીધો. તારામાં આવી હિંમત અને બહાદુરી હોય તો જ તું આ સિંહાસન પર બેસજે.
આમ કહી રત્નમંજરી આકાશે ઉડી ગઈ. રાજા ભોજ અને દરબારી જોતા રહી ગયા.